મહેસાણા: ગર્ભવતી પત્ની પર હુમલાનો આરોપ, ગર્ભસ્થ બાળકના મોત બાદ ચાર સામે હત્યાનો ગુનો નોંધાયો

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના રામપુર (કોટ) ગામમાં ગર્ભવતી મહિલા પર હુમલાનો ગંભીર મામલો સામે આવ્યો છે. પતિ સહિત ચાર વ્યક્તિઓ સામે ગર્ભસ્થ બાળકના મોત મામલે હત્યાનો ગુનો નોંધાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

પોલીસ ફરિયાદ અનુસાર, પીડિત મહિલા છેલ્લા કેટલાક સમયથી પારિવારિક વિવાદના કારણે પોતાના પિયરમાં રહેતી હતી. બાદમાં પતિના આગ્રહ પર તે સાસરીએ પરત ફરી હતી. ત્યાં પહોંચ્યા બાદ પતિને પત્ની ગર્ભવતી હોવાની જાણ થતાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

આક્ષેપ છે કે પતિએ ગર્ભસ્થ બાળક અંગે શંકા વ્યક્ત કરી મહિલા પર હુમલો કર્યો હતો. ફરિયાદ મુજબ હુમલા દરમિયાન મહિલાના પેટના ભાગે લાતો મારવામાં આવી હતી, જેના કારણે ગર્ભમાં રહેલા બાળકનું મોત થયું હતું.

આ મામલે મહિલાએ પોતાના પતિ કાળુસિંહ લાલસિંહ રાઠોડ, સાસુ મંગુબા, નણંદ કાજલબા અને અન્ય એક મહિલા સામે લાડોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચારેય આરોપીઓ સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસનું કહેવું છે કે સમગ્ર ઘટનાની તમામ પાસાઓથી તપાસ કરવામાં આવી રહી છે અને તપાસના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.